લેબલ અછાંદસ કાવ્‍ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અછાંદસ કાવ્‍ય સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

'હા' અથવા 'ના'

શ્વાસના આ સંબંધો
શું
માત્ર 'છલના' હતી ?
જો
પ્રત્યુત્તર 'હા' તો
શું કહું ?
પ્રેમનો માત્ર
'વહેમ' હતો,
ભૂલ નહીં.
જો ઉત્તર 'ના' તો
એટલું જ કહું -
'આ વ્‍યથાની કથા ક્યાં સુધી '

ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010

પ્રૌઢ શિક્ષણ

'અભણને ભણાવો'
'શિક્ષણનો દીવો પ્રગટાવો'
જેવાં પ્રચારક સૂત્રો
ચારેબાજુ ગાજતા હતા.
પચાસ-પંચાવન વિતાવી ચૂકેલી
એક પ્રૌઢાએ
શરમથી, ડરથી લાચારીથી
પૂછ્યું મને -
'તમે વાંચતાં - લખતાં શિખવશો મને ?'
આશ્ચર્યથી પહોળી થઇ આંખો -
હૈયું હરખથી ઝૂમી ઊઠ્યું.
વાહ ! ધન્‍ય છે આપણી
શિક્ષણ પ્રગતિ અને પ્રચારને -
કે આ પ્રૌઢાને ભણવાનું
મન થઇ ગયું !
હું પણ ફૂલાઇ ગઇ કે
'વાહ ! પ્રૌઢ શિક્ષણ સેવાનો
મને કેવો અનેરો લ્હાવો મળ્યો !'
હાથમાં પાટી-પેન લઇને,
ચશ્‍મા વગરની એ નિ:સ્‍તેજ આંખોથી
માંડ માંડ જોતાં - જોતાં
એ 'ક, ખ, ગ, ઘ' ઘૂંટવા લાગી
પણ
'પાકે ઘડે કાંઠા કેમ ચડે ?'
એની શિખવા માટે ધગશ -
પણ, મગજમાં ગડ ન બેસે -
એની ભણવા માટેની મથામણ
આ બધું જોઇને દ્રવી ઊઠ્યું હૈયું -
કહ્યું - 'મા'
તમારાથી હવે આ
'ક, ખ, ગ, ઘ ' ઘૂંટી શકાશે નહીં,
તમને મદદરૂપ થઇશ હું.
લખી, વાંચી દઇશ હું.'
એણે લાંબો નિસાસો નાખ્‍યો
મેં પૂછ્યું 'શા માટે હવે જતી જિંદગાનીએ
'ક, ખ, ગ, ઘ' ઊકેલવા છે તમારે ?
અને લાચાર આંખોમાંથી
બોર, બોર જેવડાં આંસું સરી પડ્યા !
''બહેન, એકલે પંડે છું હું.
સંતાનોએ છોડી દીધો છે હાથ.
હવે, કામ કરીને પેટિયું રળવાનું
નથી બનતું મારાથી
ભીખ માંગતાં લજાઇ મરૂં છું,
શ્રીનાથજીની હવેલીમાં 'ભંડારો' થાય છે -
- લખ્‍યું હોય છે ત્‍યાં -
'ફલાણાં પુણ્‍યશાળીને ત્‍યાં ભોજન છે'
કોઇ વાંચી દેતું નથી
પૂછતાં શરમ થાય છે
બસ, એ 'ભંડારા'નું લખાણ
મારાથી ઉકેલાય તો
રોટલા ભેગી થાઉં હું !'
પ્રૌઢ શિક્ષણની સેવા માટે
ગદ્ ગદ્ ફૂલાઇને ફરતી
મારૂં રોમ રોમ ચિત્‍કારી રહ્યું
પોકારી રહ્યું
અરેરે ! 'ક, ખ, ગ, ઘ' ઉકેલવાની
આ તે કેવી 'લાચારી ?'

અજન્‍મા દીકરીનું ક્રન્‍દન

મારે પણ સગર્ભા મારી
માના ઉદરમાં રહીને

સીમન્‍તના પ્રસંગે
હરખાતાં હરખાતાં
પગલાં ભરતી,

મારી માનું મલકાતું મુખ જોવું હતું.

પણ, તે પહેલાં જ તમે

મને એના ઉદરમાંથી દૂર કરી નાખી.

માના કૂખે જન્‍મ ધરીને,

'ઊંવા' - 'ઊંવા' - 'રૂદન' કરીને

આ સૃષ્‍ટિ પર મારી

નાજુક - નાજુક આંખો ખોલીને -

મારી માનું મમતાળું

મુખ નિહાળવું હતું.

એના હેતાળ હાથનો

સંસ્‍પર્શ પામવો હતો

પણ શું કર્યું તમે ?

મારે પણ ગળથૂથી દ્વારા

'ચસ - ચસ' મધ ચૂસીને

તમારાં ગુણો-સંસ્‍કારોને

રગે રગમાં ઊતારવા હતા.

પણ શું કર્યું તમે ?

મારે પણ કાલાઘેલા શબ્‍દોથી

'મા' શબ્‍દ ઉચ્‍ચારવો હતો -

માતાપિતાની આંગળી પકડીને

કિલ્લોલ કરતી શાળામાં

કિલકિલાટ કરવો હતો

પણ શું કર્યું તમે

યૌવનમાં પ્રવેશીને

કોઇની સંગાથે જોડાઇને,

પ્રભુતામાં પગલાં પાડીને

મા-બાપની વિદાય લઇને

ખૂબ ખૂબ રડવું હતું -

પણ શું કર્યું તમે ?

'દીકરી તો સાપનો ભારો' ગણીને

મારાં સ્‍વપ્‍નોને તો તમે

જન્‍મતાં પહેલાં જ નંદવી નાખ્‍યા

અને

આ નંદવાઇ ગયેલાં

સ્‍વપ્‍નોને છાતી સાથે ચાંપીને

દફનાઇ ગઇ હું

ઊંડા ખાડામાં !

મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2010

'તું છે ને !'

ઈશ્વર માટે કહેવાય છે કે,
'સ : એકાકિ ન રમતે !'
ઇશ્વરને ગમતું નહોતું એકલું - એકલું
એટલે
એણે સર્જી આ સૃષ્‍ટિની લીલા !
પણ હે મારા ઈશ્વર !
તને એટલું પૂછું છું
કેટલાંકની દુનિયા તે કેમ
સર્જી એકલી - એકલી.
ઘરનીબારીના પડદા પાછળ -
અસ્‍ત થવા જતો સૂરજ
સામેના નીરવ - નિર્જન મેદાનમાં
લાંબા - લાંબા થતા પડછાયા
માત્ર હીંચકાનો 'કીચૂડ' - 'કીચૂડ' અવાજ
એ હીંચકા પર હીંચકતાં હીચકતાં
જે રોમ રોમ એકલતા ત્રોફે છે.
તેમ મારી જેમ જ હે........ઈશ્વર !
એકવાર એકલો - એકલો
હીંચકી તો જો -
તો, અહેસાસ થાય તને,
કે શું છે 'એકલતા !'
બત્રીસ જાતના પકવાનો છતાં
'એકલાં એકલાં' ગળા નીચે કોળિયો
અટકાઇ જાય ત્‍યારે -
તું અનુભવી શકશે એ
'એકલતા' ની વેદના !
રોગથી, દર્દથી, પીડાથી
આ દેહ કણસતો હોય ત્‍યારે,
કોઇ 'કેમ છે ?'
એટલું પણ પૂછનાર ન હોય
ત્‍યારે
એનો અહેસાસ થશે કે,
'એકલતા' શું છે ?

જો અને તો

જિંદગીના પરિતાપોથી હાંફીને, થાકીને
જીવન-પથ પર ડગ ડગમગે ત્‍યારે ---
મને મળશે જો, તારા હાથનો સહારો,
તો, ફરીથી ઊભી થઇ જઇશ હું !
આ દેહ-વાંસણીના અંતિમ શ્વાસના
સૂરો રેલાતાં હોય ત્‍યારે
થોભશો જરા ? એટલી તારી હૂંફ મળશે
તો, ફરીથી જીવન સરગમ બજી ઊઠશે.
અંતિમ સમયે કોઇની પ્રતીક્ષામાં
અધ-બિડાયેલી આ પાંપણોમાં
નજર સાથે નજર મિલાવશો ને-
તો, ફરીથી બેઠી થઇશ હું !
શ્વાસની લીલા સમેટાઇ ગયા પછી
અંતિમ સફર ઊપડે ત્‍યારે -
કફન મારૂં ખસેડીને 'આવી ગયો છું' -
એટલું જ બોલશેને તો -
શ્વાસમાં પાછો શ્વાસ આવશે મને !
ત્‍યાં તો
પાછળથી એક અવાજ સંભળાયો
આપણાં આ સૂક્ષ્‍મ સંબંધોમાં
જો અને તો ન જ હોય !
તારું કફન ખસેડું ત્‍યારે
માત્ર ને માત્ર આપજે મને
મનગમતું - મલકતું મંદ મંદ સ્‍મિત,
તો
તારું કફન ઓઢીને ચાલતો થઇશ હું !