શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2010

વિદાય ગીતો - ૫

(રાગ : શંભુ ચરણે પડી)
ગુરૂ ચરણે પડી, વિનવું ઘડી રે ઘડી
આશિષ આપો
કરૂણા કરીને હૈયે તમે સ્‍થાપો
હું તો ભવરણમાં ભટકી પડેલો
મદ-મોહથી ભાન ભૂલેલો
તમે પડતો ઊઠાવ્‍યો
મને સ્‍નેહે ભિંજવ્‍યો
આશિષ આપો
કરૂણા કરીને હૈયે તમે સ્‍થાપો

તમે માતા, પિતા, સખા, ભાઇ

નથી બીજી કોઇ સગાઇ

પુત્ર કુપુત્ર તો થાયે,

માવતર કમાવતર ન થાયે

ક્ષમા આપો

કરૂણા કરીને હૈયે તમે સ્‍થાપો

મારી નૈયાના ખેવણહારા,

ભૂલજો અવગુણ સઘળાં અમારાં

પ્રભુ, એટલું જ માંગુ

કરજ ક્યારે ચૂકાવું

શક્તિ આપો

કરૂણા કરીને હૈયે તમે સ્‍થાપો.



વિદાય ગીતો - ૪

(રાગ : તૂં પ્‍યાર કા સાગર હૈ)
તમે કરૂણાસિંધુ છો,
ગુરૂજી તમે કરૂણાસિંધુ છો
એની અંજલિ એક આપું,
નિરાશ ન કરશો મને
પડું છું પાયે હું તમને.
આપના સ્‍મરણે હૈયું મારૂં
પુલકિત પુલકિત થાય
આપના પાવન દર્શને ગુરૂજી
હૈયે હરખ ન માય
મારગ ભૂલ્‍યાં'તાં અમે
ઊઠાડ્યા હાથ ગ્રહીને તમે..........તમે કરૂણાસિંધુ છો..........
મારાં પાપના તાપને આપે
આપી શીતળ છાંય
બેસૂરી આ જીવન-બાંસુરી
ગીત મધૂરાં ગાય
અપરાધી અા જીવને,
દઇ દો, જ્ઞાન તણાં વરદાન..........તમે કરૂણાસિંધુ છો..........
ચરણે પડીને હું એટલું માંગું
અવગુણ મારાં ભૂલાય
ઋણો તમારાં હૈયે રાખું
કેમ કરી એ ભૂલાય
સ્‍નેહે ભિંજવ્‍યા તમે,
જુદાઇ કેમ સહીશું અમે..........તમે કરૂણાસિંધુ છો..........

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

વિદાય ગીતો - ૩.

(રાગ : ચલ ઊડ જા રે પંછી)

આવી આવી વિદાય ઘડી
રડે અંતર ને આ આંખલડી


એક જ ડાળના પંખી બનીને
સાથે રમિયા જમિયા
કૃષ્‍ણ - સુદામા થઇને આપણે
પ્રેમના પાઠો ભણિયા
ભૂલી સઘળાં વેર - ઝેરને
આવો, ભેટી લઇએ
કોણ જાણે આ વેળા કદી
આવે કે ના આવે..........
આવી આવી વિદાય ઘડી..
આ માટીની રજેરજમાં
મારી બંધાણી છે માયા
મારાં પાપના તાપને આપે,
આપી શીતળ છાયા
ગુરુ - નૈયાનાં જ્ઞાન હલેસે
જીવન-સાગર તરિયા
જનમો જનમ અહીં જન્‍મ ધરીને,
ચૂકવું ઋણ તમારાં.......આવી આવી વિદાય ઘડી..




વિદાય ગીતો : ૨

( રાગ - આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્‍હાલો )

આજનો વિયોગ મને લાગે બહુ આકરો
ભૂલ્‍યો ભૂલાશે નહીં આ સથવારો.


આપના પ્રેમની મને માયા રે લાગી
છૂટી છૂટે નહીં આ સ્‍નેહ ગાંઠડી
અંતરે ઘોળાય આજ ખાટી-મીઠી યાદો
ભૂલ્‍યો ભૂલાશે નહીં આ સથવારો.
અમે તો કાલા-ઘેલા પાગલ પંખી
ગગને ઊડવાને તમે પાંખો આપી
મારગ ભૂલેલાને મારગ બતાવિયો
ભૂલ્‍યો ભૂલાશે નહીં આ સથવારો.
શ્વાસે - શ્વાસે સ્‍મરણ તમારું
ચરણ - કમળમાં સ્‍થાન જ માંગુ
મનની મંજૂષામાં સાચવીને રાખજો
ભૂલ્‍યો ભૂલાશે નહીં આ સથવારો.

વિદાય ગીતો - ૧.

(શાળામાંથી વિદાય લેતાં વિદ્યાર્થીઓનાં ગુરુજનો વિષેના સ્‍પંદનો)
(રાગ : દિલ એક મંદિર હૈ)


સ્‍નેહનું મંદિર છે, અમારું આ સ્‍નેહનું મંદિર છે,
માતાપિતા છો, બંધુ સખા છો, પ્રેમનું આ ઘર છે.
અંધારામાં અમે અટવાયાં, અંતરના દીપ તમે જલાવ્‍યાં,
જીવનના રોમ - રોમને ગુરુજી, તમે મઘ મઘ કરિયા.
મબલખ સ્‍નેહે તમે ભિંજવિયા, અપરાધ મારાં માફ જ કીધાં,
જીવનના તડકા - છાયામાં, આપની હૂંફે જ જીવું -
ચરણે પડીને હું એટલું માંગું, આંખ મીંચું ત્‍યાં દર્શન પામું,
ભવોભવ અહીં જન્‍મ ધરી, ગુરુ તમ ઋણ ચૂકવું.

'હા' અથવા 'ના'

શ્વાસના આ સંબંધો
શું
માત્ર 'છલના' હતી ?
જો
પ્રત્યુત્તર 'હા' તો
શું કહું ?
પ્રેમનો માત્ર
'વહેમ' હતો,
ભૂલ નહીં.
જો ઉત્તર 'ના' તો
એટલું જ કહું -
'આ વ્‍યથાની કથા ક્યાં સુધી '