ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010

પ્રૌઢ શિક્ષણ

'અભણને ભણાવો'
'શિક્ષણનો દીવો પ્રગટાવો'
જેવાં પ્રચારક સૂત્રો
ચારેબાજુ ગાજતા હતા.
પચાસ-પંચાવન વિતાવી ચૂકેલી
એક પ્રૌઢાએ
શરમથી, ડરથી લાચારીથી
પૂછ્યું મને -
'તમે વાંચતાં - લખતાં શિખવશો મને ?'
આશ્ચર્યથી પહોળી થઇ આંખો -
હૈયું હરખથી ઝૂમી ઊઠ્યું.
વાહ ! ધન્‍ય છે આપણી
શિક્ષણ પ્રગતિ અને પ્રચારને -
કે આ પ્રૌઢાને ભણવાનું
મન થઇ ગયું !
હું પણ ફૂલાઇ ગઇ કે
'વાહ ! પ્રૌઢ શિક્ષણ સેવાનો
મને કેવો અનેરો લ્હાવો મળ્યો !'
હાથમાં પાટી-પેન લઇને,
ચશ્‍મા વગરની એ નિ:સ્‍તેજ આંખોથી
માંડ માંડ જોતાં - જોતાં
એ 'ક, ખ, ગ, ઘ' ઘૂંટવા લાગી
પણ
'પાકે ઘડે કાંઠા કેમ ચડે ?'
એની શિખવા માટે ધગશ -
પણ, મગજમાં ગડ ન બેસે -
એની ભણવા માટેની મથામણ
આ બધું જોઇને દ્રવી ઊઠ્યું હૈયું -
કહ્યું - 'મા'
તમારાથી હવે આ
'ક, ખ, ગ, ઘ ' ઘૂંટી શકાશે નહીં,
તમને મદદરૂપ થઇશ હું.
લખી, વાંચી દઇશ હું.'
એણે લાંબો નિસાસો નાખ્‍યો
મેં પૂછ્યું 'શા માટે હવે જતી જિંદગાનીએ
'ક, ખ, ગ, ઘ' ઊકેલવા છે તમારે ?
અને લાચાર આંખોમાંથી
બોર, બોર જેવડાં આંસું સરી પડ્યા !
''બહેન, એકલે પંડે છું હું.
સંતાનોએ છોડી દીધો છે હાથ.
હવે, કામ કરીને પેટિયું રળવાનું
નથી બનતું મારાથી
ભીખ માંગતાં લજાઇ મરૂં છું,
શ્રીનાથજીની હવેલીમાં 'ભંડારો' થાય છે -
- લખ્‍યું હોય છે ત્‍યાં -
'ફલાણાં પુણ્‍યશાળીને ત્‍યાં ભોજન છે'
કોઇ વાંચી દેતું નથી
પૂછતાં શરમ થાય છે
બસ, એ 'ભંડારા'નું લખાણ
મારાથી ઉકેલાય તો
રોટલા ભેગી થાઉં હું !'
પ્રૌઢ શિક્ષણની સેવા માટે
ગદ્ ગદ્ ફૂલાઇને ફરતી
મારૂં રોમ રોમ ચિત્‍કારી રહ્યું
પોકારી રહ્યું
અરેરે ! 'ક, ખ, ગ, ઘ' ઉકેલવાની
આ તે કેવી 'લાચારી ?'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો