ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2010

અજન્‍મા દીકરીનું ક્રન્‍દન

મારે પણ સગર્ભા મારી
માના ઉદરમાં રહીને

સીમન્‍તના પ્રસંગે
હરખાતાં હરખાતાં
પગલાં ભરતી,

મારી માનું મલકાતું મુખ જોવું હતું.

પણ, તે પહેલાં જ તમે

મને એના ઉદરમાંથી દૂર કરી નાખી.

માના કૂખે જન્‍મ ધરીને,

'ઊંવા' - 'ઊંવા' - 'રૂદન' કરીને

આ સૃષ્‍ટિ પર મારી

નાજુક - નાજુક આંખો ખોલીને -

મારી માનું મમતાળું

મુખ નિહાળવું હતું.

એના હેતાળ હાથનો

સંસ્‍પર્શ પામવો હતો

પણ શું કર્યું તમે ?

મારે પણ ગળથૂથી દ્વારા

'ચસ - ચસ' મધ ચૂસીને

તમારાં ગુણો-સંસ્‍કારોને

રગે રગમાં ઊતારવા હતા.

પણ શું કર્યું તમે ?

મારે પણ કાલાઘેલા શબ્‍દોથી

'મા' શબ્‍દ ઉચ્‍ચારવો હતો -

માતાપિતાની આંગળી પકડીને

કિલ્લોલ કરતી શાળામાં

કિલકિલાટ કરવો હતો

પણ શું કર્યું તમે

યૌવનમાં પ્રવેશીને

કોઇની સંગાથે જોડાઇને,

પ્રભુતામાં પગલાં પાડીને

મા-બાપની વિદાય લઇને

ખૂબ ખૂબ રડવું હતું -

પણ શું કર્યું તમે ?

'દીકરી તો સાપનો ભારો' ગણીને

મારાં સ્‍વપ્‍નોને તો તમે

જન્‍મતાં પહેલાં જ નંદવી નાખ્‍યા

અને

આ નંદવાઇ ગયેલાં

સ્‍વપ્‍નોને છાતી સાથે ચાંપીને

દફનાઇ ગઇ હું

ઊંડા ખાડામાં !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો