મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2010

જો અને તો

જિંદગીના પરિતાપોથી હાંફીને, થાકીને
જીવન-પથ પર ડગ ડગમગે ત્‍યારે ---
મને મળશે જો, તારા હાથનો સહારો,
તો, ફરીથી ઊભી થઇ જઇશ હું !
આ દેહ-વાંસણીના અંતિમ શ્વાસના
સૂરો રેલાતાં હોય ત્‍યારે
થોભશો જરા ? એટલી તારી હૂંફ મળશે
તો, ફરીથી જીવન સરગમ બજી ઊઠશે.
અંતિમ સમયે કોઇની પ્રતીક્ષામાં
અધ-બિડાયેલી આ પાંપણોમાં
નજર સાથે નજર મિલાવશો ને-
તો, ફરીથી બેઠી થઇશ હું !
શ્વાસની લીલા સમેટાઇ ગયા પછી
અંતિમ સફર ઊપડે ત્‍યારે -
કફન મારૂં ખસેડીને 'આવી ગયો છું' -
એટલું જ બોલશેને તો -
શ્વાસમાં પાછો શ્વાસ આવશે મને !
ત્‍યાં તો
પાછળથી એક અવાજ સંભળાયો
આપણાં આ સૂક્ષ્‍મ સંબંધોમાં
જો અને તો ન જ હોય !
તારું કફન ખસેડું ત્‍યારે
માત્ર ને માત્ર આપજે મને
મનગમતું - મલકતું મંદ મંદ સ્‍મિત,
તો
તારું કફન ઓઢીને ચાલતો થઇશ હું !


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો